રવિવાર, 19 મે, 2013

સુનીતા વિલિયમ્સ


સુનીતા વિલિયમ્સને કોણ નથી જાણતું ?
તેઓ અમેરિકાસ્થિત જાણીતાં ભારતીય અવકાશયાત્રી મહિલા છે.
સુનીતા મહિલા છે, યુવાન છે, ભારતીય છે, અને કર્તૃત્વવાન છે. ભારતનું ગૌરવ છે. સુનીતાનો લાંબામાં લાંબી અવકાશ ઉડાન કરનાર એક મહિલા તરીકેનો વિશ્ર્વવિક્રમ છે.
મિત્રો, એટલું જ નહીં, સૌથી વધુ સમય માટે (50 કલાક અને 40 મિનિટ) માટે અવકાશમાં ચાલવું અને સૌથી વધુ વાર ફરવાનો પણ વિક્રમ છે.
આપણા સૌ માટે વધુ ગૌરવની વાત એ છે કે સુનીતા ભારતીય તો છે જ પણ ગુજરાતનાં છે.
તેમના પિતાનું નામ છે શ્રી દીપકભાઈ પંડ્યા. સુનીતાનું વતન મહેસાણા જિલ્લાનું ઝુલાસણ ગામ છે. સુનીતાનું બીજું અવકાશયાત્રા અભિયાન 127 દિવસો ચાલ્યું હતું જે નવેમ્બર 20, 2012ના રોજ પૂરું થયું હતું.
મિત્રો, અવકાશમાં પગલાં માંડનાર સુનીતાનો સ્વદેશપ્રેમ પણ તેટલો જ ઉત્કટ છે અને સ્વદેશની ધરતી પર પગ માંડવા તે તેટલાં જ ઉત્સુક હોય છે. આ સૌ યુવાન મિત્રોએ તેમની પાસે શીખવા જેવું છે.
આકાશની ઉડાન ધરતીને ન ભુલાવી દે તે યાદ રાખવું જોઈએ જેનો સુનીતા ઉત્તમ નમૂનો છે. ધર્મપ્રિયતા અને અધ્યાત્મ એ સાચા ભારતીયની પહેચાન છે. સુનીતા તેનો પણ ઉત્તમ નમૂનો પૂરો પાડે છે.
મિત્રો, તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે સૌ પ્રથમ તેઓ ઝુલાસણમાં આવેલા દૌલા માતાજીના મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં. આટલી મોટી અને કઠિન સિદ્ધિ હાંસલ કરનાર સુનીતાનો પાયો ઈશ્ર્વરમાં ઊંડી શ્રદ્ધા છે. ઈશ્ર્વરની શ્રદ્ધા જ તેમને બળ અને આત્મવિશ્ર્વાસ પૂરાં પાડે છે.
મિત્રો, આપણી આસપાસ વ્યક્તિરૂપે કેટલાંક સકારાત્મક ઊર્જાકેન્દ્ર હોય છે. તેમને જોવાથી, તેમના વિશે સાંભળવાથી, તેમને સાંભળવાથી, તેમની પાસે બેસવાથી આપણને અજાણતાં શક્તિ પ્રાપ્ત થાય છે. આજે પણ તમે સ્વામી વિવેકાનંદ કે મહાત્મા ગાંધી કે સરદાર પટેલ કે પૂ. ગુરુજી વિશે એક ફકરો વાંચો તો પણ તમને ઊર્જા પ્રાપ્ત થઈ હોય એવો અહેસાસ થશે. કોઈ સંત, કોઈ સાહિત્યકાર, કોઈ કવિ, કોઈ વૈજ્ઞાનિક, કોઈ સાહસવીર, કોઈ પ્રાધ્યાપક, કોઈ શિક્ષક, કોઈ સુંદર મિત્ર મળે કે તેની તરફથી સકારાત્મક આંદોલનો મળતાં રહે છે.
આપણા સદ્ભાગ્યે અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આપણા માટે એવી વ્યક્તિ છે.
ટાઇમ્સ આફ ઇન્ડિયા (15 માર્ચ, 2013)ના એક અહેવાલ પ્રમાણે સુનીતા વિલિયમ્સ વતનના પ્રવાસે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આવી રહ્યાં છે તે સૌ માટે, ખાસ કરીને યુવાનો માટે આનંદનો વિષય હતો.
મિત્રો, તમને પણ જાણીને આનંદ થશે કે સુનીતા વિલિયમ્સનો હેતુ પણ તમારા જેવા ઉત્સાહી, આશાવાદી, કર્તૃત્વવાન યુવાનમિત્રોને મળવાનો, તેમની સાથે વાતો કરવાનો પ્રશ્ર્નોત્તરી કરવાનો છે. અવકાશયાત્રામાં અથવા વિજ્ઞાનમાં કેરીયર કઈ રીતે બનાવવી તે અંગેનું માર્ગદર્શન તેમના તરફથી મળી શકે છે.
માત્ર વિજ્ઞાનમાં જ આગળ જવા માગતા યુવાનો જ નહીં, સૌને તેમની ઉપસ્થિતિ અને માર્ગદર્શનથી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન મળી શકશે.
આખરે સુનીતા વિલિયમ્સ શું છે ? અભ્યાસ - પરિશ્રમ, આત્મવિશ્ર્વાસ, સાહસ, સમર્પણ, એકાગ્રતા... જેવા તમામ ગુણોનો સરવાળો.
તેમની વાતોમાંથી આપણને આપણા જીવનના એક પાસાને પણ સુધારવાની તક મળી જાય તો જીવન સફળ બની જાય.
5 એપ્રિલના રોજ અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે એન્જિનિયરિંગ અને પ્યોર સાયન્સના હજારો વિદ્યાર્થીઓ સમક્ષ તેઓ બોલ્યાં હતાં. આ કાર્યક્રમમાં ન ગયાં હો તો ટી.વી. દ્વારા જીવંત પ્રસારણ પણ જોયું હશે. વર્તમાનપત્રો અને અન્યત્ર પણ તેમનાં વ્યાખ્યાનો વિષે જાણ્યું હશે.
તો મિત્રો, આવું બહુ-આયામી વ્યક્તિત્વ સુનીતા વિલિયમ્સ છે. જેટલો વિજ્ઞાનનો પ્રેમ છે, જેટલો અવકાશ ઉડાનનો પ્રેમ છે, તેટલો જ પ્રેમ તેમને પોતાના ધર્મ, પોતાના દેશ, પોતાના વતન પ્રત્યેનો છે. પોતાનું જ્ઞાન ફક્ત પોતાના પૂરતું ન રહે પણ બધાં વચ્ચે વહેંચાય તે માટે તેઓ જાગૃત અને કાર્યરત છે.
આપણને તેમનામાંથી ઘણી પ્રેરણા અને ઘણું માર્ગદર્શન મળી શકે છે. ગંગા ઘરઆંગણે આવી હતી. આપણે તેને હર્ષોલ્લાસથી વધાવી પણ લીધી. હવે તેમની મુલાકાતને એક અવસરમાં બદલવી જોઈએ.
એક સુનીતા વિલિયમ્સ ભારતને અનેક સુનીતા વિલિયમ્સ આપી શકે છે.
તમારા પ્રતિભાવોની રાહ જોઉં છું.

1 ટિપ્પણી: